બાળપણ ગયું કિશોરાવસ્થા આવી મોડ્યુલ વિશે

ડૉ. તૃપ્તિ શાહ (સહિયરના સ્થાપક સભ્ય) અને અન્ય સાથીઓના સહયોગથી કિશોરીઓ સાથે કામ કરનાર

કાર્યકરો માટેની માર્ગદર્શિકા સૌ પ્રથમ વર્ષ ૨૦૦૫માં તૈયાર કરવામાં આવી. આ પુસ્તિકામાં શરીરની જાણકારીની સાથે સામાજિક માન્યતાઓ, કૌટુંબિક નિયંત્રણો, માધ્યમો, સૌંદર્ય સ્પર્ધાઓ અને પ્રસાધનો દ્વારા ઉભી કરવામાં આવતી સૌંદર્ય ઘેલછા, વિજાતીય આકર્ષણના પ્રશ્નો,ફ્રેન્ડશીપ- પ્રેમ અને લગ્ન વચ્ચેનો તફાવત, સ્વાસ્થ્ય, શૈક્ષણિક કારકિર્દી અને હિંસાના પ્રશ્નો, સામાજિક પરિવર્તન લાવનાર સ્ત્રીઓ વિશેની વાત કરવામાં આવેલ છે. એલજીબીટી સંબંધોને માન્યતા, સાયબર ક્રાઈમ, જલ્દી અને જબરજસ્તીના લગ્ન, બાળકોનું થતું જાતીય શોષણ વગેરે જેવા મુદ્દાઓની પણ ચર્ચા આ મોડ્યુલ અંતર્ગત કિશોરીઓ સાથે કરવામાં આવે છે. ૧૩ થી ૧૮ વર્ષની ઉંમરની શાળામાં જતી કે ડ્રોપ આઉટ કિશોરીઓ સાથે કે અન્ય કોઈ કોર્સ કરી રહેલ કિશોરીઓ સાથે શરૂઆતમાં અલગ અલગ વિષય પર ચર્ચા કરવામાં આવતી હતી. શરૂઆતથી જ વડોદરાની વિવિધ શાળાઓમાં ખુબ સારો પ્રતિભાવ મળી રહ્યો.

વર્ષ ૨૦૧૧ થી વડોદરા શહેરની વિવિધ શાળાઓમાંબાળપણ ગયું કિશોરાવસ્થા આવી... પૂર્ણમોડ્યુલ અંતર્ગત ૮ થી ૧૨ ધોરણમાં આખા વર્ષ દરમ્યાન શિબિર દ્વારા સત્ર ચર્ચા કરી રહ્યું છે. આ સત્રચર્ચા આખા વર્ષ દરમ્યાન થવાને કારણે કિશોરીઓમાં આવેલ પરિવર્તનનું પ્રમાણ ચોક્કસ જોઈ શકાય છે.સહિયરે(સ્ત્રી સંગઠન) કિશોરીઓનામુદ્દાઓ, પ્રશ્નોનેરાષ્ટ્રીય સ્તર સુધી પહોચાડવામાંપણ મહત્વની ભૂમિકા ભજવી છે.

સહિયર(સ્ત્રી સંગઠન)કિશોરીઓની પરિસ્થિતિમાં બદલાવ લાવવામાં એક મહત્વનું માધ્યમ બન્યું છે.

 

મોડ્યુલ દ્વારા સત્રચર્ચા કરવાનો હેતુ

સહિયર (સ્ત્રી સંગઠન) વડોદરા શહેરમાં ૧૯૮૪ થી કિશોરીઓ અને સ્ત્રીઓના અધિકાર તેમજ વિકાસ માટે કાર્યરત છે. સહિયરની અલગ અલગપ્રવૃત્તિઓમાં કિશોરીઓ સાથે જાગૃતિ કાર્યક્રમોને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે. કારણકે, બાળપણ વિદાય લેવા માંડે અને પુખ્તતા હજુ પુરેપુરી આવી ન હોય તેવી આ કિશોરાવસ્થાના પ્રશ્નો, મૂંઝવણો ખાસ માંગી લે તેવા હોય છે. આ સમયગાળામાંવ્યક્તિમાં કુદરતી રીતે જ અનેક પરિવર્તનો આવે છે. અંત: સ્ત્રાવોમાં થતા ફેરફારોને કારણે શારીરિક ફેરફારોની સાથે માનસિક ફેરફારો પણ થાય છે. તેઓ વધુ સંવેદનશીલ બને છે. અને તેમની વૈચારિક ક્ષમતામાં પણ વધારો થાય છે. પોતાની જાત અને આસપાસની દુનિયા અંગે અનેક પ્રશ્નો તેમના મનમાં ઉદભવે છે. અપેક્ષાઓ- આકાંક્ષાઓની સાથે ક્યારેક ફેરફારો સમજી ન શકે ત્યારે મન વધુ મુંઝવણમાં મુકાય છે. શરીર અને મનમાં થતા ફેરફારોની સાથે તેમણે મોટા થઈને ભજવવાની ભૂમિકા અંગેની તાલીમ પણ વધુ ઘનિષ્ટ બનાવે છે. છોકરીઓમાં આ સમય દરમિયાન થતા શારીરિક ફેરફારો સાથે અનેક માન્યતાઓ અને રીતરીવાજોને જોડી દેવામાં આવે છે. તેમની ઉપર ખાસ પ્રકારના કૌટુંબિક અને સામાજિક બંધનોની શરૂઆત થાય છે. આને કારણે છોકરીઓ માટે આ અવસ્થા છોકરાઓ કરતા વધારે મૂંઝવણભરી બની જાય છે. જો આ સમયગાળામાંકિશોરીઓની મૂંઝવણ, પ્રશ્નો અને તેમના સપનાઓને વાચા ન મળે તો તેમના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસમાં બહુ મોટી ખોટ રહી જાય છે. તેમના અભ્યાસ અને કારકિર્દીમાં પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. આ સંવેદનશીલ સમયગાળામાં પ્રશ્નો, મૂંઝવણ, વિચારોમાં તેમને માર્ગદર્શન મળે અને સાથે સાથ નવા પ્રગતિશીલ વિચારોનો પરિચય થાય તો કિશોરીઓ પોતાની ભવિષ્યની ભૂમિકામાં સક્ષમ બને છે. સમાજ પરિવર્તન પ્રક્રિયામાં યોગદાન આપવા વૈચારિક જાગૃતિ કેળવી શકે છે. આપણા સમાજમાં બે પેઢી વચ્ચેના અંતરને કારણે ઘણું ખરું કિશોરીઓને પોતાના વિચારો કે મૂંઝવણો રજુ કરવાનું વાતાવરણ જ મળતું નથી. તેઓ પોતાના વિચારો- મૂંઝવણો વિશે સરખી ઉંમરની બહેનપણી સાથે વાતો કરે છે પણ ચોક્કસ માહિતીનાઅભાવને કારણે સરખે સરખી બહેનપણી પણ મૂંઝવણમાં રસ્તો શોધવામાં મદદરૂપ થઇ શકતી નથી. આવી પરિસ્થિતિમાં મુંઝાતી કિશોરીઓ માટે એક સંવેદનશીલ, સમજદાર અને માહિતીપૂર્ણ બહેનપણીની ભૂમિકા ભજવવાનું સહિયરે નક્કી કર્યું અને ૧૯૯૪થી આ કામની શરૂઆત કરવામાં આવી હતી.

યુવા નેતૃત્વ તાલીમ

યુવા માંગે પરિવર્તનના નારા સાથે સહિયર (સ્ત્રી સંગઠન) દર વર્ષે વડોદરા શહેરની ખાનગી શાળાઓમાં યુવા નેતૃત્વ તાલીમનું આયોજન કરે છે.  ૨૦૧૦થી શરુ કરેલ આ તાલીમમાં આ તાલીમમાં કિશોરી અને કિશોર બંને હોય છે. જેમને ગંભીર સામાજિક સમસ્યાઓ વિશે અવગત કરી એ સમસ્યા વિશે સંવેદનશીલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.આપણા સમાજની સામાજિક સમસ્યાઓ જેમ કે, પર્યાવરણની માનવજીવન પર અસર, સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા, કોમી એકતા, જ્ઞાતિવાદ, બાળયૌન શોષણ, જલ્દી અને જબરદસ્તી ના લગ્ન જેવી  ગંભીર સામાજિક સમસ્યાઓને સમજીને તેને રોકવા માટે તેઓ તેમનો નાનકડો પણ મહત્વપૂર્ણ યોગદાન આપે એ આશાએ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં જૂથચર્ચા અને શૈક્ષણિક પ્રવાસ દ્વારા તાલીમાર્થીઓની તાલીમના વિષય અંતર્ગત વધુ સમજ બને એવો પ્રયાસ કરવામાં આવે છે. શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા, ચર્ચ અને પારસી અગિયારીની મુલાકાત કરાવવામાં આવે છે. અને આ પ્રવાસનો હેતુ દરેક ધર્મ અહિંસા, પ્રેમ, શાંતિ અને ભાઈચારો શીખવે છે અને અંતે માનવ ધર્મ જ  સર્વોપરી ધર્મ છે તેવું ચર્ચવામાં આવે છે.   તાલીમના અંતે દરેક તાલીમાર્થીનું સર્ટીફીકેટ આપી અભિવાદન કરવામાં આવે છે. અત્યાર સુધી 2200 જેટલા કિશોર કિશોરીઓ સહભાગી થયા છે.

તાલીમમાં નીચે આપેલ મુદ્દાઓ ખાસ આવરી લેવામાં આવ્યા હતા.

- સ્ત્રી – પુરુષ વચ્ચેના સંબંધોમાં પુરુષોનું પ્રભુત્વ નહિ પણ પરસ્પર પ્રેમ અને સમાનતા

- ધર્મ, ભાષા, પ્રદેશ, જ્ઞાતિ ના જૂથો વચ્ચે અવિશ્વાસ, ધિક્કાર નહિ પરંતુ આદર અને વિવિધતાને સ્વીકારવાની તૈયારી

- માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધોમાં માનવી નો અંકુશ નહિ પરંતુ શાંતિમય સહ અસ્તિત્વ

- સમાજમાં જ્ઞાતિભેદ નાં લીધે જે ઊંચનીચના ભેદભાવ થાય છે એમાં જ્ઞાતિ આધારિત ભેદભાવો અંગે ની સાચી સમજણ આપવાનો પ્રયાસ.

 

જેમાં અત્યાર સુધી વડોદરા શહેરની

1) વિનય વિદ્યાલય

2) એમ. ઇ. એસ હાઇસ્કૂલ( નાગરવાડા)

3) એમ. ઇ. એસ હાઇસ્કૂલ( યાકુતપુરા)

4) મહાત્મા ગાંધી હાઇસ્કૂલ

5) જ્યોતિ વિદ્યાલય

6) અંબે વિદ્યાલય

7) રૂઝવેલ્ટ પબ્લિક સ્કૂલ( વારસિયા)

8) પરિવાર વિદ્યાલય

9) શાંતિવન વિદ્યાલય

10) ચંપા સિપ્પી વિદ્યાલય

11) કે. બી. પરીખ સ્કૂલ

12) વિદ્યામંદિર વિદ્યાલય

13) સાધુ વાસવાણી વિદ્યાલય

14) લાલ બહાદુર શાસ્ત્રી( સંગમ)

15) નારાયણ વિદ્યાલય ( વારસિયા રોડ)

16) નારાયણ વિદ્યાલય (કારેલી બાગ)

17) સુરજબા પ્રેરણા વિદ્યાલય

18) નેતાજી મોડલ સ્કૂલ

19) વેબ મેમોરિયલ હાઇસ્કૂલ

20) આદર્શ વિદ્યાલય

21) ગણેશ વિદ્યાલય

22) વલ્લભ વિદ્યાલય

23) રઘુકુળ વિદ્યાલય

24) મહર્ષિ શ્રી અરવિંદ વિદ્યાલય

25) ઉમિયા વિદ્યાલય( સોમા તળાવ)

26) ગાયત્રી વિદ્યાલય

27) જીવનભારતી વિદ્યાલય

28) હ્યુમન કાઈન્ડ સંસ્થા ( અમદાવાદ)

ઉપરની દરેક સ્કૂલ યુવા નેતૃત્વ તાલીમ માટે પસંદગી કરવામાં એ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે તાલીમ ની દરેક સ્કૂલમાં દરેક ધર્મ, જાતિ અને વર્ગ ના વિદ્યાર્થી સામેલ હોય. અમારો અનુભવ રહ્યો છે કે દરેક તાલીમમાં તાલીમાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શાળા નાં આચાર્ય અને શિક્ષકોનો પણ સારો સહકાર મળ્યો હતો.

 

 

મારી શોધ યાત્રા

સહિયર નો ઉદેશ્ય અને પ્રવૃત્તિ:-   સહિયર (સ્ત્રી-સંગઠન) ૧૯૮૪ થી  સ્ત્રીઓના હક્ક અને અધિકાર માટે કાર્યરત છે. જેમાં સહિયર સ્ત્રી-સંગઠન દ્વારા અલગ-અલગ પ્રકારનાં જૂથો સાથે કાર્ય કરવામાં આવે છે. જેમાં પૂર્વ વિસ્તારની બહેનો સાથે, શૈક્ષણિક સહાયની છોકરીઓ અને ટેક સેન્ટરની છોકરીઓ સાથે તથા સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સાથે અલગ અલગ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ તથા વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. બહેનો સાથે કામ કરતાં એમ લાગ્યું કે સમાજમાં જે ગંભીર સળગતા પ્રશ્નો છે એ માત્ર બહેનો સાથેજ  કામ કરવાથી  તેનો ઉકેલ નહિ આવે  તેથી અમે સમાજ પરિવર્તનના કાર્યમાં યુવાઓને જોડવા માટે “યુવા માંગે પરિવર્તન” ના નારા સાથે “મંથન યુવા સંગઠન” ની શરૂઆત કરી આ યુવા સંગઠન નો હેતુ ન્યાય, શાંતિ, અને સમાનતા પૂર્ણ સમાજ માટે મુખ્યત્વે પર્યાવરણમાં થતા બદલાવ, કોમી એકતા, સમાજમાં સ્ત્રી પુરુષ સમાનતા તેમજ ગર્ભજાતિ પરીક્ષણ, જ્ઞાતિવાદ, બાળલગ્ન, જબરદસ્તીના લગ્ન અને બાળકો પર થતા જાતિય શોષણ જેવી ગંભીર સામાજિક સમસ્યાઓ અંગે યુવાઓ જાગૃત થાય અને સમાજનાં પ્રશ્નોને સમજતાં થાય અને તેનાં ઉકેલ માટે સક્રિય થાય. આ સંગઠન દ્વારા શાળાઓ તેમજ વિસ્તારોમાં યુવા જાગૃતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળાઓમાં “મારી શોધ યાત્રા” તાલીમનું આયોજન (વર્ષ-૨૦૧૨-૧૩)થી કરવામાં આવ્યું. જેમાં સહિયર (સ્ત્રી-સંગઠન) અને મંથન (યુવા સંગઠન)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મારી શોધ યાત્રા અંતર્ગત તાલીમ યોજવામાં આવે છે.

“મારી શોધ યાત્રા” તાલીમનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓમાં નીચે મુજબના બદલાવ લાવવાનો છે.

  • બાળકોમાં આત્મવિશ્વાસ વધે,
  • બાળકો બોલતાં થાય,
  • પોતાનાં મનની વાત બીજા સામે વ્યકત કરતાં થાય,
  • બાળકોમાં સર્જનાત્મક શક્તિઓ ખીલે,
  • બાળકો પોતાની જાતને ઓળખે,
  • પોતાના નબળા અને સબલા પાસાને ઓળખતા થાય,
  • સમાજના આજુબાજુના વાતાવરણને સમજે અને તેના ઉકેલ માટે વિચારતા થાય તથા તે અંગે સક્રિય થાય.

 

આ બદલાવને સિદ્ધ કરવા માટે અમે અલગ-અલગ પ્રકારની રણનીતિ અપનાવીએ છે.

  • સૌ પ્રથમ અમે મધ્યવર્તી શાળામાં જઈ ત્યાં શાસનાધિકારીને મળીને “મારી શોધ યાત્રા તાલીમ યોજાવાની પરમિશન લઈએ છીએ. પરમિશન મળ્યાં બાદ જે-તે સ્કુલનાં આચાર્યને મળીને સ્કુલમાં “મારી શોધ યાત્રા” તાલીમ યોજવા માટે સમય અને વાર નક્કી કરીએ છે. શાળામાં તાલીમ નક્કી થયાં બાદ અમે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી પરિચયની આપ-લે કરીએ છીએ. ત્યારબાદ અમે વિદ્યાર્થીઓ સાથે ફ્લિપચાર્ટ, રમત, ગીત, વાર્તા અને નાટક દ્વારા અલગ-અલગ પ્રવૃતિઓ કરી શિબિર લઈએ છીએ આ શિબિર દ્વારા વિદ્યાર્થીઓ પોતાની વાત લખીને, બોલીને તેમજ ચિત્ર દ્વારા પોતાનાં વિચારોને રજુ કરવાની આવડતને બહાર લાવી શકે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. સાથે સાથે શાળાને સમજતાં થાય, સમાજ પ્રત્યેની જવાબદારી સમજતાં થાય, પર્યાવણ અંગેની સમજ કેળવાય, છોકરી-છોકરા વચ્ચેનાં ભેદભાવની સમજ આવે અને તે દુર કરવાં સક્રિય થઈ છોકરા-છોકરી વચ્ચે સમાનતા લાવવાં પ્રયત્ન કરવામાં આવે છે.

 

  • જે તે શાળાના આચાર્ય સાથે મળીને અઠવાડિયામા એક નક્કી કરેલ દિવસે આયોજન મુંજબ શાળાઓમાં વર્ષ દરમિયાન “મારી શોધ યાત્રા” તાલીમ અંતર્ગત ધોરણ:૬, ૭ અને ૮નાં વિધાર્થીઓ સાથે અલગ-અલગ વિષય પર સેશન લેવામાં આવે છે. અને આ વિદ્યાર્થીઓ કિશનવાડી, સુદામાપુરી, એક્તાનગર, લાડવાડા, હનુમાન ચોક, ફતેહપુરા, તાંદળજા અને ઝવેરનગર વિસ્તારમાં રહે છે. આ વિસ્તારના અમુક લોકો છુટક મજુરી તેમજ નોકરી કરે છે. આ વિસ્તારના લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી. તેથી તેઓ પોતાના વિદ્યાર્થીને તેમના વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરવા મોકલે છે. એકતાનગર વિસ્તારમાં ૨૦૦૨ વર્ષના કોમી રમખાણો બાદ વિસ્થાપિત થયેલ લોકો રહે છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળાઓની ૨૦૧૨ થી ૨૦૨૩ સુધીની માહિતી

ક્રમ વર્ષ કેટલી શાળા ધોરણ કિશોરીઓની સંખ્યા કિશોરોની સંખ્યા કુલ સંખ્યા
૨૦૧૨ - ૨૦૧૩ ૦૯ ૫૩૭
૨૦૧૩ - ૨૦૧૪ ૧૧ ૭,૮ ૧૦૯૦
૨૦૧૪ - ૨૦૧૫ ૧૧ ૬,૭,૮ ૯૭૪ ૯૭૦ ૧૯૪૪
૨૦૧૫ – ૨૦૧૬ ૦૯ ૬,૭,૮ ૭૭૪ ૬૭૫ ૧૪૪૯
૨૦૧૬ – ૨૦૧૭ ૦૮ ૬,૭,૮ ૭૫૨ ૬૮૪ ૧૪૩૬
૨૦૧૭ - ૨૦૧૮ ૦૯ ૬,૭,૮ ૬૪૩ ૬૪૧ ૧૨૮૪
૨૦૧૮ - ૨૦૧૯ ૧૦ ૬,૭,૮ ૫૭૭ ૫૪૨ ૧૧૧૯
૨૦૧૯ - ૨૦૨૦ ૦૭ ૬,૭.૮ ૪૪૮ ૪૦૩ ૮૫૧
૨૦૨૦-૨૦૨૧ અને ૨૦૨૧-૨૦૨૨ કોવીડનો સમય હોવાથી શાળાઓ બંધ હતી તેથી તાલીમ નથી લઈ શક્યા.
૨૦૨૨-૨૦૨૩ ૦૨ ૭,૮ ૧૩૪ ૧૨૩ ૨૫૭
કુલ સંખ્યા ૪૩૦૨ ૪૦૩૮ ૯૯૬૭