સ્વતંત્રતાની સરવાણીઓને સલામ: અમને જોઈએ આઝાદી

સહિયર (સ્ત્રી સંગઠન) દ્વારા સ્વતંત્રતાની સરવાણીઓને સલામ: અમને જોઈએ આઝાદી વિષય અંતર્ગત શાળાઓ, સહિયરના કાર્યવિસ્તારની બહેનો અને કિશોરીઓ સાથે દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં  દેશતો આઝાદ થયો પણ શું આપણે આઝાદ છીએ ? આપણને શેનાથી આઝાદી મેળવવી છે? વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી તેઓનો અભિપ્રાય જાણવાનો તથા આ વિષય પર વધુ માહિતગાર બને તેવો મુખ્ય ઉદેશ્ય છે.

૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો ત્યારે ભારતની આઝાદી માટે અનેક સ્ત્રીઓએ પુરુષો સાથે ખભેખભા મિલાવીને બલિદાનો આપ્યા હતા. અહિંસક સત્યાગ્રહ ઉપરાંત સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ હોય કે આઝાદ હિંદ ફોજની પ્રવૃત્તિ હોય આ તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓએ બલિદાનો આપ્યા હતા, પરંતુ આપણા ઇતિહાસમાં તેઓ અદ્રશ્ય રહ્યા છે. સ્વતંત્રતાના આંદોલનનો ઈતિહાસ માત્ર “HIS-STORY”બનીને રહી ગયો છે. તેમાં “HER-STORY” એટલેકે સ્ત્રીઓના યોગદાન, બલિદાનની વાત લોકો સુધી પહોચે, અને તેઓને યાદ કરી સલામી આપે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સ્વતંત્રતા એટલે આપણા દેશમાં આપણું રાજ. કાયદા સમક્ષ સૌ સમાન. ભારત સ્વતંત્ર થયાને ૭૫  વર્ષ થઇ રહ્યા છે. આ સ્વતંત્રતા સ્ત્રીઓ સુધી કેટલી પહોચી છે? ઘરમાં, સમાજમાં અને કાયદાઓમાં કેટલી સ્વતંત્રતા છે? ભારત દેશની સ્વતંત્રતા માટે, સ્ત્રીઓની સ્વતંત્રતા માટે અને સ્ત્રી શિક્ષણ માટે યોગદાન આપનાર ૩૪ જેટલી સ્ત્રીઓના જીવન, સંઘર્ષ વિષે અને ભૂતકાળનો સમાજ બદલાયો છે, તેને બદલવા માટે યોગદાન આપનાર સ્ત્રીઓએ જે પ્રયત્નો કર્યા છે તે વિષે શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા પોતાની જ શાળામાં રજૂઆત કરવામાં આવી હતી. તેમાં આઝાદીની ચળવળમાં ભાગ લીધેલ સાવિત્રીબાઈ ફૂલે, ઝલકારીબાઈ, બેગમ હજરત મહાલ, ઉદાદેવી, પંડિત રમાબાઈ સરસ્વતી, રકમાંબાઈ, મેડમ કામા, સરલાદેવી ચૌધરાની, સરોજીની નાયડુ, વિદ્યાગૌરી નીલકંઠ, રુકૈયા સખાવતહુસેન, કસ્તુરબા ગાંધી, શારદાબેન મહેતા, અનસુયાબેન સારાભાઇ, રાજકુમારી અમૃતકૌર, મીઠુબેન પેટીટ, હંસાબેન મહેતા, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, મણીબેન પટેલ, મણિબહેન કારા, પુષ્પાબેન મહેતા, અરુણા અસફઅલી, રાની ગાઈડીન્યુલ, દુર્ગાદેવી, બીનાદાસ, શાંતિ ઘોષ ,પ્રીતીલતા વાડેદર, દુર્ગાબાઈ દેશમુખ, મૃદુલા સારાભાઇ, કમળાબેન પટેલ, ડો. લક્ષ્મી સહગલ, સોફીયાખાન , હોમાઈ વ્યારાવાલા, દશરીબેન પટેલ વગેરે સ્ત્રી પાત્રોને ઓળખે તે માટે ફોટોગ્રાફ્સ ધ્વારા નાનકડી ફિલ્મ બતાવવામાં આવી હતી.